Wednesday 23 November 2011

ઓછાં રે પડ્યાં

ઓછાં રે પડ્યાં

સ્વર: વિરાજ-બિજલ ઉપાધ્યાય
શબ્દ-સંગીત: અવિનાશ વ્યાસ

લાખ કરે ચાંદલિયો તોયે પ્રગટે ના પરભાત
અને મથી મથી થાકે સૂરજ તોયે ઊગી ન ઊગે પૂનમ રાત

ઓછાં રે પડ્યાં.. ઓછાં રે પડ્યાં…
પૂનમ તારાં અજવાળાં ઓછાં રે પડ્યાં.
ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંય ના જડ્યા … પૂનમ તારાં

કોઇ થાતું રાજી ને કોઇ જાતું દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી
લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારાં જોને ઝગડ્યાં … પૂનમ તારાં

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારું અજવાળુ તોય મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો
ધનતાને લૂંટતાં ખુદ રે લૂંટાયા
કે જાવું’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા … પૂનમ તારાં

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે મારી પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધૂરો
કે હસતાં નયણાં એ જોને મોતીડાં મઢ્યા … પૂનમ તારાં


એમનો ચહેરો અરે!


એમનો ચહેરો અરે!
ફૂલ ત્યાં પાણી ભરે!

યાદ છે ત્યાં ખેતરે

એ પ્રસંગો સાંભરે
ફૂલ ત્યાં પાણી ભરે!
એમનો ચહેરો....

સ્વપ્ન છે કે શું અરે!

આજ એ મારા ઘરે
ફૂલ ત્યાં પાણી ભરે!
એમનો ચહેરો....

દ્રશ્ય ભીની ને સભર

ક્યાં ગઇ એ સાંજ રે
ફૂલ ત્યાં પાણી ભરે!
એમનો ચહેરો....

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા

શબ્દ: ભાગ્યેશ જહા
સ્વર: સોલી કાપડિયા
આલ્બમ: આપણા સંબંધ

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડૂબેલી નદીઓનાં નામ
તમે નદીઓના ડૂબેલાં ગાન

અમે ડૂબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડૂબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઊગતું જોયું ને તમે યાદ આવ્યાં

શનિવાર, 7 નવેમ્બર, 2009

પવનથી પાતળી ક્ષણમાં

સંગીત: મેહુલ સુરતી
શબ્દ: પ્રજ્ઞા વશી
સ્વર: રત્ના જાદવાણી
આલ્બમ: સાતત્ય

પવનથી પાતળી ક્ષણમાં ખૂંપીને ઘર બનાવ્યું છે
જીવનની આગવી ક્ષણને ટૂંપીને ઘર બનાવ્યું છે

ગઝલની રાજસી ક્ષણને સીંચીને ઘર બનાવ્યું છે
સફર સંવેદનાની કંઇ ખૂંદીને ઘર બનાવ્યું છે

ખબર છે કે ગમે ત્યારે પડે પથ્થર હવામાંથી
ને પાયામાં જ પથ્થરને મૂકીને ઘર બનાવ્યું છે


ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
સ્વર: લતા મંગેશકર
ગીત: ચતુર્ભુજ દોશી
સંગીતઃ અવિનાશ વ્યાસ

ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું
એ… હું તો નીસરી ભરબજાર જી
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

એ… લાજી રે મરું મારો સાહ્યબો ખોવાણો
કોને કહું આવી વાત જી રે
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

ટોડલે ટોડલે મેં તો તોરણ બાંધ્યા
મારી મેડીયું ઝાકઝમાળ જી
એ… જોબન ઝરુખે રૂડી ઝાલર્યું વાગે
ઝાંઝર ઘૂંઘરમાળ જી
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

રાત ઢળીને ઘેરા ઘડિયાળાં વાગ્યા
અને પ્રાગડના ફૂટ્યા દોર જી
એ… તો ય ન આવ્યો મારો સાહ્યબો સલૂણો
જાગી આઠે પહોર જી

ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

હું હાથને મારા ફેલાવું

શબ્દ : નાઝિર દેખૈયા
સ્વર : મનહર ઉધાસ
આલ્બમ : અસ્મિતા

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.




આપણા મલકના માયાળુ માનવી (હાલોને આપણા મલકમાં)

સ્વરઃ ?પ્રફુલ્લ દવે, દિવાળીબેન ભીલ

હે..... હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં,
હે.....મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં;
પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી,
હે.......જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી.

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મે'રબાન;
રિયોને આપણા મલકમાં...
સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી;
દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;
ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી;
સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી.
આપણા મલકમાં ઓઢણ ઓરડા
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મે'રબાન
રિયોને આપણા મલકમાં...
વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે;
પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;
વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે;
બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને.
આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મે'રબાન;
રિયોને આપણા મલકમાં...
રોજ પરભાતે (............)
રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;
છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;
અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.
આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મે'રબાન;
રિયોને આપણા મલકમાં...
પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
(....) માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.
આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મે'રબાન;
રિયોને આપણા મલકમાં...
(નોંધઃ આ લોકગીત મેં સાંભળીને તેના શબ્દો અહીં લખવાનો પ્રયાસ કર્યો છે. અમુક શબ્દો મને સમજાતા નથી ત્યાં જગ્યા છોડી છે. આપ સૌને વિનંતિ કે આ લોકગીતના શબ્દો મને પહોંચાડશો તો આભારી થઇશ.)

સોના વાટકડી રે

સ્વર : દિવાળીબેન ભીલ, લખાભાઇ ગઢવી

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.

પગ પરમાણે રે કડલાં સોઇં રે વાલમિયા,
કાંબિયુંની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

હાથ પરમાણે રે ચૂડલા સોઇં રે વાલમિયા,
ગૂજરીની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

ડોક પરમાણે રે હારડો સોઇ રે વાલમિયા,
પારલા ની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

નાક પરમાણ રે નથડી સોઇં રે વાલમિયા,
ટીલડીની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કાન પરમાણ રે ઠોળીયાં સોઇં રે વાલમિયા,
વાળિયુંની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

અંગ પરમાણે રે કમખો સોઇં રે વાલમિયા,
ચુંદડીની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

દિવાળીબેન ભીલ, લખાભાઇ ગઢવી


સ્વરઃ હેમુ ગઢવી, દીના ગાંધર્વ
દુહોઃ
હે....... જોને પ્રેમ પ્રેમ તો સહુ કહે પણ પ્રેમ ન જાણે કોઇ
હે....... પણ જાણે તો તો આ જગતમાં પછી જુદા રહે નહીં કોઇ

છંદઃ
બ્રિજ કી સબ બાલા રૂપ રસાલા કરે બેહાલા બનવાલા
જા કિશન કાલા વિપદ વિશાલા દિનદયાલા નંદલાલા
આયે નહીં આલા ક્રિષ્નકૃપાલા બંસીવાલા બનવારી
કાનલ સુખકારી મિત્રમુરારી ગયે બિસારી ગિરધારી

હે… શ્રાવણે સારા, હૃદયે ઝાલા, કૈંક તારા કામની…
પહેરી પટોળા, રંગ ચોળા, ભમે ટોળા ભામિની…
શણગાર સજીયે, રૂપ રજીએ, ભૂલ ત્યજીએ, ભાન ને…
ભરપૂર જોબનમાંયે ભામન કહે રાધા કાનને…
જી કહે રાધા કાન ને… જી કહે રાધા કાનને…

સ્વર: ????

મંગળવાર, 26 મે, 2009

શિવાજીનું હાલરડું

આ બ્લોગના એક મુલાકાતી માવજીભાઇની હેમુ ગઢવી માટેની ફરમાઇશ
સ્વર: હેમુ ગઢવી, ચેતનભાઇ ગઢવી

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

હેમુ ગઢવી

દુહાની રમઝટ - 1

રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે
વન્શમે વ્રુધ્ધિ દે બાકબાની

હ્રદય મે ગ્યાન દે, ચિત્ત મે ધ્યાન દે
અભય વરદાન દે શમ્ભુરાની

દુઃખ કો દૂર કર, સુખ ભરપુર કર
આશા સમ્પુર્ણ કર દાસ જાની

સજ્જન સે હિત દે, કુટુમ્બ સે પ્રીત દે
જન્ગમે જીત દે મા ભવાની!

દુહાની રમઝટ-2



હે…. કો’ક દિ’ કાઠિયાવાડમાં પણ ભૂલને ભગવાન..રે..
અરે થાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભુલાવું શામળા..

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ..!

એ એક રે તંબુરાનો તાર ને બીજી તાતી તલવાર રે..
એક જ વજ્રમાંથી બે ઉપજ્યાં હે તો’ય ક્યાંય ના મેળ મળે લગાર..!

હે..સાચી પ્રીત શેવાળની કે જળ સૂકે સૂકાય..રે.
પણ આ માંયલો હંસલો સ્વાર્થી કે આ જળ સૂકે ઊડી જાય..!

કસુંબીનો રંગ

શબ્દ : ઝવેરચંદ મેઘાણી
ગાયક : ચેતન ગઢવી
સંગીત : સંજય ધકાણ
આલ્બમ : લોકસાગરના મોતી - 2

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ…

પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

No comments:

Post a Comment