Friday 25 November 2011

ખેતી માટે પેસ્ટિસાઈડ્ઝ કેટલું હાનિકારક?

ખેતી માટે પેસ્ટિસાઈડ્ઝ કેટલું હાનિકારક?

 
 
મલ્ટિનેશનલ કંપનીઓ આ ઘાતક રસાયણવાળા ઉદ્યોગનાં કારખાનાં ભારતમાં નાખે છે અને તેમાંથી ૨૯ અબજ ડોલરના પેસ્ટિસાઈડ્ઝ ભારતમાંથી બીજા દેશમાં નિકાસ કરે છે.
પોતાના દેશને પેસ્ટિ-સાઈડ્ઝના કારખાનાના પ્રદૂષણથી બચાવે છે.

તમને હું કેમિકલ્સના હાનિકારક બનાવટો બનાવતાં કારખાનાનું લાં...બું લિસ્ટ આપું તેનો કોઈ અર્થ નથી. પ્લાસ્ટિક, પેઈન્ટ, સિન્થેટિક ફોમ, ડાઈઝ, સિન્થેટિક રબર, પેકેજ માટેના નવા નવા મટિરિયલ, ધોવાના ડિટરજન્ટ સાબુ-પાઉડર, તમે ચીટકાવવા માટે ગ્લુ કે એડહેસિવ્ઝ વાપરો છો. તે, ડ્રાઈક્લિનિંગના રસાયણો, ગ્રીઝનો સાફ કરવાનાં સોલવન્ટ, જંતુઘ્ન દવાઓ વગેરે તમામમાં રસાયણો હોય છે. ૧૯૫૦ સુધી ભારતમાં આવાં રસાયણો બનાવનારાનું નામોનિશાન નહોતું પણ પછી કાઠિયાવાડનો એક કપોળ કે ગુજરાતી તમામ આધુનિક રસાયણોનાં નામ જાણી ગયો અને ખૂબ કમાઈ ગયો અને એક કપોળના નામે કેમિકલ ટેક્નોલોજીની કોલેજ પણ થઈ ગઈ !

મોટે ભાગે શરૂમાં માત્ર મુંબઈમાં આયાત કરેલાં રસાયણોનો વેપાર થતો. મુંબઈ બંદરે કેમિકલ્સ ઉતરે પછી તે રસાયણો લઈને દોડતી ટ્રકો તમારી જાણ વગર યમના દૂત જેવી હતી. આવી રસાયણની ટ્રકોમાં અવારનવાર ધડાકા થતા. બ્રિટન, જર્મની અને અમેરિકામાં આજે પણ રસાયણો લઈ જતી ટ્રકમાં ધડાકા થાય જ છે. ૫૦૦ રતલનો બોંબ ફૂટે તેવો ધડાકો એક રસાયણવાળી ટ્રક ફાટે ત્યારે કરે છે. ૧૯૭૫-૭૬માં તકલીફ એ હતી કે રસાયણ ભરેલી ટ્રક ફાટે તે રસાયણ ગેરકાનૂની રીતે ભારતમાં આયાત કર્યું હોય એટલે તે અકસ્માત ભ્રષ્ટાચારથી દાબી દેવાતો.

ટેરિલિનનું કાપડ તમે પહેરો છો તેમાં એક્રિન્લોનાઈટ્રીલ નામનું ઘાતક રસાયણ વપરાય છે. આ રસાયણ સાઈનાઈડનાં જેવું કાતિલ ઝેર હોય છે. પોચા પોલાદ (માઈલ્ડ સ્ટીલ)ને મજબૂત બનાવતું સોડિયમ-સાઈનાઈડ નામનું રસાયણ વપરાય તે એક ઔંસના ૬૦મા ભાગનું ટીપું લઈએ તોપણ એ રસાયણ પ્રાણઘાતક બને છે. ખેતીવાડીમાં જે પેસ્ટિસાઈડ્ઝ વપરાય છે તેમાંથી યુનિયન કાર્બાઇડ તેમજ ડાઉ કેમિકલ્સ અબજો રૂપિયા કમાય છે. તે પેસ્ટિસાઈડ્ઝ સાઈનાઈડ કરતાં પણ વધુ ખતરનાક હોય છે, પણ અભણ ખેડૂતો આડેધડ પેસ્ટિસાઈડ્ઝ વાપરે છે તે અજાણતાં દમના રોગથી માંડીને પેરેલિસિસ અને ચામડીનાં દદોઁથી પીડાય છે.

યુનિયન કાર્બાઇડ અને હવે ડાઉ કેમિકલ્સમાં જે પેસ્ટિસાઈડ્ઝ (ખેતીવાડીની જંતુઘ્ન દવા) બનાવે છે તેની પહેલાં આયાત થતી હતી. બેયર, (જર્મની) ,બાસ્ફ (જર્મન), મોનસાન્ટો (અમેરિકા), ડુપોન્ટ (અમેરિકા), સુમીટોમો કેમિકલ (જાપાન) વગેરે ૧૦ ટોચની કંપનીમાંથી છ ટોચની કંપનીઓનો પેસ્ટિસાઈડ્ઝનો વેપાર ૨૮.૮ અબજ ડોલર છે. મારી પાસે ઇન્ડિયન ‘પેસ્ટિસાઈડ ઇન્ડસ્ટ્રી’નો ‘નવો’ રિપોર્ટ આવ્યો છે તે પ્રમાણે ચાર વર્ષ પહેલાં ભારતનો કુલ પેસ્ટિસાઈડ ઉદ્યોગ R ૭૪ અબજનો હતો. (૮૫૦૦૦ મેટ્રિક ટન) કઠણાઈ એ વાતની છે કે મલ્ટિનેશનલ કંપનીઓ આ ઘાતક રસાયણવાળા ઉદ્યોગનાં કારખાનાં ભારતમાં નાખે છે અને તેમાંથી ૨૯ અબજ ડોલરના પેસ્ટિસાઈડ્ઝ ભારતમાંથી બીજા દેશમાં નિકાસ કરે છે. પોતાના દેશને પેસ્ટિસાઈડ્ઝના કારખાનાના પ્રદૂષણથી બચાવે છે.

યુનિયન કાર્બાઇડ (હવે ડાઉ કેમિકલ્સ) પેસ્ટિસાઈડ્ઝ બનાવે છે. તેનું ભારતમાં કોઈ જ નામ જાણતું ન હોતું. બહુ બહુ તો આપણે ગંધક વાપરતા એ પછી યુરોપમાં નિકોટિન સલ્ફેટ તમાકુનાં પાંદડામાંથી કાઢીને કૃષિ-જંતુ મારવા માટે વપરાતું. ધીરેધીરે તેનો વિકાસ થતાં પાયરેથમના છોડમાંથી કુદરતી પેસ્ટિસાઈડ્ઝ બનતું પણ પછી પેસ્ટિસાઈડ્ઝની માંગ વધી ત્યારે ડીડીટીનો પાઉડર આવ્યો ત્યારથી કઠણાઈ બેઠી.

૧૯૪૦ના દાયકાથી જ સિન્થેટિક (રાસાયણીક) પેસ્ટિસાઈડ્ઝ વપરાવા માંડ્યાં આજે ૭૫ ટકા પેસ્ટિસાઈડ્ઝ ધનિક દેશો ખેતીવાડી વગેરેમાં વાપરે છે પણ આ પેસ્ટિસાઈડ્ઝનું પાપ સૌથી વધુ ચીન અને ભારતમાં ઘૂસ્યું છે. અમેરિકા મેડિકલ એસોસિયેશન તો ચેતવે છે કે અમુક પેસ્ટિસાઈડ્ઝથી કેમ દૂર રહેવું, પણ ભારતમાં બધું રામ ભરોસે છે. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’નો રિપોર્ટ કહે છે કે ભારત સહિતના ગરીબ દેશોમાં ૩૦ લાખ જેટલા કામદારોને પેસ્ટિસાઈડ્ઝનું સખત ઝેર લાગે છે. બીજા એક અભ્યાસ પ્રમાણે જગતના ૨.૫ કરોડ જેટલા વિકસતા દેશોના કામદારોને પેસ્ટિસાઈડ્ઝનું હળવું ઝેર તો લાગશે જ. તે ઝેર વધે તો લ્યુકોમિયા (લોહીનું કેન્સર), પ્રોસ્ટેટ કેન્સર વગેરે અનેક જાતના રોગ થાય છે.

ઓરગોનો ફોસ્ફેટ પેસ્ટિસાઈડ્ઝ જે ડાઉ કેમિકલ્સ બનાવે છે તે ‘ઓછા ઝેરીલા’ (!) છે, પણ તે જંતુઘ્ન દવાના સંસર્ગ થકી પણ પેટનો દુખાવો, ચક્કર જ આવવા, માથું દુ:ખવું, ઊલટી થવી વગેરે રોગ થાય છે. કીલા પારડી નજીક આંબાની ખેતી કરનારા એક ખેડૂતને લકવો થઈ ગયો છે. હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના અભ્યાસ પ્રમાણે પેસ્ટિસાઈડ થકી પાર્કિન્સન ડિસીઝ થાય છે.સ્ત્રીઓ સંસર્ગમાં આવે તો કસુવાવડ થાય છે કે બર્થ ડિફેક્ટ (બાળકોને) આવે છે. મને પોતાને નવાઈ લાગે છે. (જોકે માન્યામાં આવે તેવી વાત નથી) પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના કહેવા પ્રમાણે કલોરિનેટેડ પેસ્ટિસાઈડ્ઝનો ઉપયોગ કરનારાને ૧૦૦ દિવસનો સંસર્ગ થાય તો ડાયાબિટીસ થાય છે. (વિકિપીડિયા)

સમય પાકી ગયો છે કે ખેતીવાડીમાં હાનિકારક પેસ્ટિસાઈડ્ઝને બદલે વૈકલ્પિક ઓર્ગેનિક ખાતર વાપરવું જોઈએ. સ્વિડનમાં પેસ્ટિસાઈડ્ઝનો ઉપયોગ ખેતીમાં ખૂબ ઘટાડ્યો છતાં પાક વધુ થયો ! ઇન્ડોનેશિયામાં ડાંગરમાં પેસ્ટિસાઈડ્ઝ ઘટાડ્યા તો ઊલટાનો ૧૫ ટકા પાક વધુ મળ્યો છે. ફલોરિડા નામના અમેરિકન રાજ્યના ખેડૂતોએ કુદરતી ખાતર વાપર્યું તો મકાઈનો પાક ૨૧૨ ટકા વધુ મળ્યો. મારી ભલામણ છે કે સુનીતા નારાયણ નામની પ્રબુદ્ધ પત્રકારનું ‘ગુડ અર્થ’ મેગેઝિન મગાવીને કુદરતી ખેતીના અને કુદરતના ચાહક બનો.

No comments:

Post a Comment